News
ગુજરાતમાં એક મહિનામાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર રાજકીય પક્ષો દ્વારા જાહેરાત પાછળ કરાયેલા ખર્ચા
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તમામ પક્ષો અને નેતાઓ પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વિવિધ રાજકીય પક્ષોની સોશિયલ મીડિયા ટીમો તેમના સંબંધિત પક્ષોના ચૂંટણી વચનોની જાહેરાતો લોકો સુધી પહોંચાડવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યા છે. સસ્તા સ્માર્ટફોન તેમજ ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયા ટ્રેન્ડ સાથે સ્થાનિકો લોકો સુધી આ જાહેરાતો પહોંચાડવી ખુબ જ સરળ થઈ ગઈ છે.
ફેસબુક અને ગુગલ એ બે મુખ્ય પ્લેટફોર્મ છે, જેનો ઉપયોગ રાજકારણીઓ અને પક્ષો તેમના ભાષણો અને વાયદાઓ ફેલાવવા અને ચૂંટણીમાં લોકોને પોતાની તરફેણ કરવા માટે કરે છે. બંને પ્લેટફોર્મ તેમના પ્લેટફોર્મ પર રાજકીય જાહેરાત પાછળ થતા ખર્ચમાં પારદર્શિતા લાવવા માટે ખર્ચનો એક ડેટા જાહેર કરે છે. ન્યૂઝચેકરે 1 અને 5 ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીના સંદર્ભમાં રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતા ખર્ચ અંગે આ ડેટાનું વિશ્લેષણ કર્યું છે.
ફેસબુક પર રાજકીય જાહેરાતો પાછળ થતો ખર્ચ
13 ઓક્ટોબરથી 11 નવેમ્બર સુધીના છેલ્લા એક મહિનામાં રાજકીય પક્ષો દ્વારા તેમના અધિકૃત ફેસબુક એકાઉન્ટ માંથી જાહેરાતો ચલાવવા પાછળ 72 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ફેસબુક દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે આમ આદમી પાર્ટી છેલ્લા મહિનામાં 35 જાહેરાતો માટે કુલ 39 લાખના ખર્ચ સાથે આ યાદીમાં ટોચ પર છે. જ્યારે ભાજપ જે હાલમાં ગુજરાતમાં સત્તા પર છે. જેમણે માત્ર 19 લાખ રૂપિયા ખર્ચ્યા છે, જેની સામે 558 જાહેરાતો ચલાવી છે. તો આ તરફ કોંગ્રેસ પાર્ટીએ પણ રાજ્યમાં પોતાનો પગ મજબૂત કરવા માટે 13 લાખ રૂપિયાના ખર્ચે સાથે 368 જાહેરાતો ચલાવી છે.

ફેસબુક દ્વારા જાહેર કરવામાં આવતો ડેટા જેમાં સામાજિક મુદ્દાઓ, ચૂંટણી અથવા રાજકારણ વિશેની જાહેરાતો પર સૌથી વધુ ખર્ચ કરનારા જાહેરાતકર્તાઓની યાદી જોવા મળે છે. અહીંયા જોઈ શકાય છે કે છેલ્લા એક મહિનામાં ગુજરાત રાજ્ય માટે રાજકીય જાહેરાતો પાછળ ફેસબુક પરથી 4કરોડથી વધુ રકમ ખર્ચ થયેલ છે. અહીં તમે આ તમામ સોશિયલ મીડિયા પેજના નામોની યાદી જોઈ શકો છો તેમજ આ એકાઉન્ટ પરથી ચૂંટણી સંબંધિત પોસ્ટ પર કરવામાં આવેલ ખર્ચ પણ જોઈ શકો છો.

ગુગલ પર રાજકીય જાહેરાતો પાછળ થતા ખર્ચા
ગુગલ દ્વારા પણ રાજકીય જાહેરાતો પાછળ થતા ખર્ચ પર પારદર્શિતા લાવવાની કટિબદ્ધતા સાથે ડેટા જાહેર કરવામાં આવે છે. ગુગલ ચૂંટણીલક્ષી, રાજકીય તેમજ સામાજિક મુદ્દાઓ પર આપવામાં આવતી જાહેરાતો પાછળ કેટલો ખર્ચ ક્યાં જાહેરાતકર્તા દ્વારા કરવામાં આવ્યો હોવાનો એક રિપોર્ટ જાહેર કરે છે. તમે આ પબ્લિક પ્લેટફોર્મ પર ફેબ્રુઆરી 2019થી અલગ-અલગ રાજ્યોમાં ગુગલ પર ચલાવવામાં આવેલ રાજકીય જાહેરાતો પાછળના ખર્ચનો હિસાબ જોઈ શકો છો.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં વાત કરીએ તો ભાજપ દ્વારા ચૂંટણીને અનુલક્ષીને છેલ્લા એક મહિનામાં 13 ઓક્ટોબરથી 11 નવેમ્બર સુધીમાં 900થી વધુ જાહેરાતો ચલાવવામાં આવી છે, જેની પાછળ 20 લાખથી વધુનો ખર્ચ થયો છે. જયારે આ જ સમયગાળા દરમિયાન કોંગ્રેસ દ્વારા 400થી વધુ જાહેરાતો પાછળ 50 લાખનો ખર્ચ કરવામાં આવેલ છે.

અહીંયા રસપ્રદ વાત એ જાણવા મળે છે, આમ આદમી પાર્ટીના ઓફિશ્યલ એકાઉન્ટ પરથી કોઈપણ જાહેરાત કરી હોવાની માહિતી આ ગુગલ રિપોર્ટમાં જોવા મળતી નથી.
Our Source
Facebook Ad Transparency Report
Google Ad Transparency Report
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044